સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બોર્ડના પેપર સારા નહીં જતા અને અમરોલીમાં સીએના વિદ્યાર્થીએ માઇગ્રેનની બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની 15 વર્ષની પુત્રી હેતલે ગોંડલિયાએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક વિદ્યાર્થિનીએ હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. જો કે પેપર સારા નહીં જતા ટેન્શનમાં આવીને તેણીએ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. દીકરીના મોતના લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. બીજી તરફ અમરોલી છાપરાભાઠા રોડ પાસે રહેતો 23 વર્ષીય ધ્રુવીન હિરપરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક ધ્રુવીન સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જો કે, તેને માઈગ્રેનની બીમારીથી પીડાતો હોવાથી તેની દવા ચાલતી હતી પણ તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.


