હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ મામલે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં આવવા નોટિસ આપવામાં આવી હતી. જેને લઇને અભિનેતા આજે પોલીસ તપાસમાં સહયોગ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે અભિનેતાને ઘણા પ્રશ્નો પૂછ્યા. અલ્લુ અર્જુન પોલીસના સવાલોના જવાબ ખૂબ જ હિંમતથી આપ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટીમ અલ્લુ અર્જુનને ફરીથી નોટિસ આપીને પૂછપરછ અને નાસભાગ વખતે તેમની હાજરી વિશે જાણવા માટે તેઓને ફરીથી બોલાવી શકે છે.
જો સૂત્રોનું માનીએ તો પૂછપરછ દરમિયાન અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તેને રેવતીના મૃત્યુના સમાચાર બીજા દિવસે ખબર પડી? તો અભિનેતાએ કહ્યું કે હા… મને બીજા દિવસે તેની ખબર પડી.મહત્વનું છે કે અલ્લુ અર્જુન તેના પિતા અલ્લુ અરવિંદ અને વકીલો સાથે સવારે 11 વાગ્યા પછી ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બપોરે 2.45 વાગ્યા સુધી પૂછપરછ ચાલી હતી. સેન્ટ્રલ ઝોનના ડીસીપી અક્ષાંશ યાદવની આગેવાની હેઠળની પોલીસ ટીમે અભિનેતાની પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ કદાચ ઘટનાનુ રિક્રન્સ્ટ્રક્શન કરવા માટે અભિનેતાને બોલાવી શકે છે જેથી તે જાણવાનો પ્રયાસ થઇ શકે કે નાસભાગ થઇ ત્યારે અલ્લુ અર્જુન ક્યાં હતો.
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ પોલીસ આ સવાલોના જવાબ શોધી રહી છે કે શું મેનેજમેન્ટે અલ્લુ અર્જુનને સંધ્યા થિયેટરમાં ન આવવા માટે પહેલેથી કહ્યું હતું? શું તમે જાણો છો કે પોલીસ પાસે પરવાનગી નથી ? આ ઘટના વિશે ખબર ન હતી? શું તમે સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શોમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી? શું તમારી પાસે તેની નકલ છે? શું તમે અથવા તમારી પીઆર ટીમે પોલીસ પાસેથી પરવાનગી લીધી હતી? શું તમારી પીઆર ટીમે તમને સંધ્યા થિયેટર પાસેની પરિસ્થિતિ વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી? તમે કેટલા બાઉન્સર ગોઠવ્યા?
અલ્લુ અર્જુનની પૂછપરછને ધ્યાનમાં રાખીને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન નજીક કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને પોલીસે પોલીસ સ્ટેશન તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. અભિનેતાને આજે 23 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. પોલીસે તેના ઘર પાસે પણ કડક વ્યવસ્થા ગોઠવી હતી.
આ ઘટના પછી મૃત મહિલાના પરિવારની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો (BNS) હેઠળ કેસ નોંધ્યો હતો.
આરોપી નંબર 11 તરીકે અલ્લુ અર્જુનની શહેર પોલીસે 13 ડિસેમ્બરે મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટે તેને તે જ દિવસે ચાર અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા અને તે જેલમાંથી મુક્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પૂછપરછ કરવા માટે નોટિસ પાઠવી હતી.


