થોડા દિવસ અગાઉ વહેલી સવારે કીમમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને હવે મોટો પર્દાફાશ થયો છે,ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રેલવે કર્મચારીઓએ જ કર્યું હોવાનું સામે આવ્યું છે,સુભાષ પોદાર નામનો કર્મચારી એ ઘટનાને જોનાર પ્રથમ વ્યક્તિ હતો, તેણે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે આખું તરકટ રચ્યું હતું.
ઘટનાની વાત કરવામાં આવે તો 21 સપ્ટેમ્બરને શનિવારે કીમ નજીક ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારને રેલવે ટ્રેક પર 3 અજાણ્યા શખ્સોની ચહલપહલ જોવા મળી હતી. વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા વ્યક્તિઓને જોતાં તેઓને બૂમો પાડતાં તે લોકો તાત્કાલિક નાસી છૂટ્યા હોવાની વાત કહી હતી.ત્યારબાદ NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી,કારણ કે કોઈ ટૅક્નોલૉજીનો જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકાગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી શકે. જેથી ઉલટ તપાસ કરવામાં આવતાં સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.


