Explore

Search

June 19, 2026

Contact us -7820092500

IAS Coaching

હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો: પૂર્વ સરપંચ અને પત્રકાર સહિત ત્રણ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર યુવતી રાજસ્થાનથી પકડાઈ

બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને વડગામ પોલીસે હનીટ્રેપ અને ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મનાતી કિરણ નામની યુવતીને રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ પર લીધી છે.

પોલીસ તપાસ મુજબ, વડગામ પંથકના 58 વર્ષીય ખેડૂતનો કિરણ નામની મહિલા સાથે વોટ્સએપ પર સંપર્ક થયો હતો. મહિલાએ પ્રેમજાળમાં ફસાવી ખેડૂતને પાલનપુર બોલાવ્યો હતો. ત્યારબાદ તેને વડગામ તરફ લઈ જવામાં આવ્યો, જ્યાં અન્ય સાગરીતો આવી પહોંચ્યા હતા.આરોપીઓએ પોતાને એલસીબીના અધિકારી તરીકે ઓળખાવી ખેડૂતને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 15 લાખની ખંડણી માંગી હતી. જેમાંથી રૂ. 5 લાખ બળજબરીથી વસૂલ્યા હતા.

ખેડૂતે ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર વલીખાન ભીખુભાઈ પઠાણ (પાલનપુર), જયંતીભાઈ ગમાભાઈ કોઈટીયા (સરીપડા) અને ઝુલ્ફીકાર કાસમભાઈ મકરાણી (પાલનપુર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જયંતીભાઈ કોઈટીયા સરીપડા ગામના પૂર્વ સરપંચ છે અને તેમની સામે અગાઉ અમદાવાદમાં પણ હનીટ્રેપના ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ઝુલ્ફીકાર મકરાણી એક ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કાર્યરત હોવાનું પણ બહાર આવ્યું છે.બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ગંગાનગરમાં ઓપરેશન હાથ ધરી સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મનાતી કિરણ નામની યુવતીને ઝડપી પાડી હતી. કોર્ટમાંથી તેના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.પોલીસે બ્યુટી પાર્લર સંચાલિકા ભાવનાબેન પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, તેની પાસે કામ કરતી આરતી તથા એક અજાણ્યા પુરુષને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ ચાલી રહી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક કાર અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વડગામ પોલીસને સોંપવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસ અને મળેલા ટેકનિકલ તથા અન્ય પુરાવાઓના આધારે પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક સંપન્ન લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની ખંડણી વસૂલી હોઈ શકે છે. આ દિશામાં પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે.

Advertisement
error: Content is protected !!