સુરત ગ્રામ્ય પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજ વિસ્તારમાં ડિગ્રી વગર જ દવાખાના ખોલીને બેઠેલા બોગસ ડોકટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે કામરેજ પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સંયુક્ત રીતે જુદા જુદા વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો, જેમાં 5 જેટલા નકલી ડૉક્ટરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કામરેજ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે બાતમીના આધારે ઉંભેળ તેમજ હળદરું GIDC વિસ્તારમાં આવેલા ક્લિનિક્સ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. 
આ સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન ટીમો દ્વારા આશરે 15 જેટલા નાના-મોટા ક્લિનિકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર જ 5 જેટલા બોગસ તબીબો ક્લિનિક ચલાવી રહ્યા હતા અને લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા હતા. આ નકલી ડૉક્ટરો માત્ર ઓપીડી ચલાવીને દવાઓ જ નહોતા આપતા, પરંતુ ગંભીર દર્દીઓને પોતાના ક્લિનિકમાં એડમિટ દાખલ કરીને સારવાર આપવાની પણ સુવિધા ધરાવતા હતા. પોલીસના દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલના સાધનો સહિત કુલ રૂ.14 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે તમામ ડિગ્રી વગરના બોગસ તબીબો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી હતી.

