ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે જમીન વિવાદ અને હુમલાના એક કેસ આરોપીને તકસીરવાર ઠેરવી 1 વર્ષ અને 6 મહિનાની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, સને 2023માં આહવા તાલુકાનાં ગાઢવી ગાઢવી ગામના વતની આરોપી એવા યશપાલ ભાવજીભાઈ ભોયે પોતાના ખેતરની નજીક આવેલી જંગલની જમીનમાં ઝાડી-ઝાંખરાની છાંટણી કરવા ગયા હતા.
તે જ સમયે તે જ જમીનમાં ફરિયાદી સતારામભાઈ સીતારામભાઈ ભોયે પણ ઝાડીની છાંટણી કરી રહ્યા હતા.
ફરિયાદીએ આરોપીને ત્યાં ઝાડવા કાપતા જોઈને ટોક્યા હતા અને જણાવ્યું હતું કે, ‘હું અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી છાંટણી કરું છું, તારે આ જમીનમાં ઝાડવા કાપવા નહીં.’ આ સામાન્ય બાબતે આરોપી યશપાલ ભોયે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી, પોતાના હાથમાં રહેલી કુહાડી વડે ફરિયાદીની પીઠના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ મામલો થાળે પાડવા માટે ગામનાં આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો હાથધરવામાં આવ્યા હતા.
પરંતુ આરોપીએ સમાધાન કરવાનો સાફ ઈનકાર કરી દેતા આખરે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.આ અંગેનો કેસ આહવાની જે. એમ. એફ. સી. કોર્ટમાં ચાલી જતાં, ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને આધારે તથા આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સુરેશભાઈ કોકણીએ ધારદાર દલીલો કરી હતી જે જે દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી યશપાલ ભાવજીભાઈ ભોયેને દોષિત જાહેર કર્યો હતો. અદાલતે સંબંધિત કલમો હેઠળ આરોપીને 1 વર્ષ અને 6 માસની કેદ તથા રૂપિયા 2000/-ના દંડની સજા ફટકારી હતી.

