વલસાડ જિલ્લાનાં પારડી પોલીસ પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે, ભારતબેઝ કંપની કાબા એક્સપ્રેસ લખેલી લક્ઝરી બસમાં પાર્સલોના બહાને દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે અને દારૂના વહનમાં એક એક મહિલા પણ સંડોવાયેલી છે. જે બાતમીના આધારે પોલીસે પારડી દમણી ઝાપા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે શંકાસ્પદ લક્ઝરી બસ આવતા પોલીસે ટોર્ચનાં ઈશારાથી બસ રોકાવી હતી. ત્યારબાદ બસમાં ચઢી ડ્રાઈવર, ક્લીનર અને અન્ય સ્ટાફને ઓળખ આપી બસની તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન બસની ડાબી બાજુની ડીકીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં ભરેલા પાર્સલો મળી આવ્યા હતા.
પાર્સલો ખોલી જોતા તેમાં ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વધુ પૂછપરછ દરમિયાન બસ સ્ટાફે જણાવ્યું હતું કે, વાપી એપીએમસી માર્કેટ નજીક એક રિક્ષા ચાલક દ્વારા મહિલા સાથે મળીને આ પાર્સલો બસમાં મૂકવામાં આવ્યા હતા અને તે બદલ રૂપિયા 9 હજાર ભાડું નક્કી કરાયું હતું. પોલીસે બસમાં બેઠેલી મહિલાની પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ સવિતાદેવી મેદની રાય (રહે.અંકલેશ્વર, મૂળ બિહાર) હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બસ ડ્રાઈવર કિરીટભાઈ દિલીપભાઈ ટેલર, ક્લીનર પૃથ્વીસિંહ ઉર્ફે પ્રતાપસિંહ રાઠોડ તથા અન્ય ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચૌહાણની પોલીસે અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ, પોલીસે બસમાંથી કુલ 18 બોક્સમાં ભરેલ 864 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત રૂ.2.68 લાખ જેટલી થાય છે. ઉપરાંત દારૂ હેરાફેરીમાં વપરાયેલી લક્ઝરી બસ કિંમત રૂ.20 લાખ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ.22.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

