વલસાડ જિલ્લાનાં તુંબ ચેકપોસ્ટ પાસેથી એક મોપેડ સવારને રોકી તેની ડીકીમાંથી રૂપિયા 99,250/-ની કિંમતનો 1.985 કિલોગ્રામ ગેરકાયદે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જયારે આરોપી પાસેથી મોપેડ, મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ 17-05-2026 નાંરોજ ઉમરગામ પોલીસની ટીમ સંજાણ-ભીલાડ રોડ તુંબ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી.
તે દરમિયાન સંજાણ તરફથી એક મોપેડ બાઈક આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો.
પરંતુ મોપેડ ચાલક યુવક ભાગવા માટે યૂ-ટર્ન મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભરત કમલેશ શાહ (ઉ.વ.૩૩, હાલ રહે.સેલવાસ, મૂળ રહે.યુપી) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી ખાખી સેલો ટેપ વીંટાળેલા બે પેકેટો મળી આવ્યા હતા. જેથી આરોપીને સંજાણ આઉટ પોસ્ટ ખાતે લાવી એફ.એસ.એલ.ના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પ્રાથમિક કેમિકલ ટેસ્ટિંગ કરાવતા, આ જથ્થો કેનાબિસ એટલે કે વનસ્પતિજન્ય ગાંજો 1.985 કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું હતું.
જોકે પકડાયેલા યુવકની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ ગાંજાનો જથ્થો સોળસુંબા રેલવે ઓવરબ્રિજ નીચેથી સાહિલ બિહારી (રહે.સોળસુંબા, ઉમરગામ) પાસેથી 24 હજારમાં ખરીદ્યો હતો અને આ જથ્થો સેલવાસ ખાતે છૂટક વેચાણ કરવા માટે લઈ જઈ રહ્યો હતો. આમ, પોલીસે મોપેડ બાઈક, મોબાઈલ, રોકડા મળી કુલ રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભરત શાહની ધરપકડ કરી હતી, જયારે સાહિલ બિહારીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

