નવસારી: જિલ્લામાં વાહનચોર ટોળકી ફરી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગત 16 એપ્રિલના રોજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી એક જ રાતમાં બે કિંમતી સુઝુકી બર્ગમેન મોપેડની ચોરી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. નવાઈની વાત એ છે કે બંને વાહનો લોક કરેલી હાલતમાં હોવા છતાં તસ્કરો ડુપ્લીકેટ ચાવી અથવા લોક તોડીને ચોરી કરી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે પ્રથમ ઘટના નવસારી રૂરલ પોલીસ મથકની હદમાં બની હતી. વેસ્મા ગામની રોયલ ગાર્ડન સોસાયટીમાં રહેતા અરમાન શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાની ગ્રીન કલરની બર્ગમેન મોપેડ GJ-21-DD-3178 રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે જોતા વાહન ગાયબ હતું. આ વાહન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. બીજી ઘટના નવસારી ટાઉન વિસ્તારની છે, જ્યાં દૂધિયા તળાવ પાસે આવેલી ન્યુ ઈન્ડિયા બેકરી સામે ફૂટપાથ પર પાર્ક કરેલી કાળા કલરની બર્ગમેન મોપેડ GJ-21-DB-1329 ચોરાઈ હતી. ફરિયાદી રિઝવાન પટેલના જણાવ્યા મુજબ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે સવારે ત્રણ વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા ઈસમો અન્ય એક બાઇક પર આવ્યા હતા અને મોપેડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે બંને મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

