સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુરત અને ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.71,360નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત LCB પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી મહાવીર ઉર્ફે મહેન્દ્ર તેના સાગરીત સાથે ઉંભેળ ગામની સીમમાં શંકાસ્પદ બાઈક સાથે ઉભો છે.
પોલીસે ઉંભેળ ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવીને મહાવીર ઉર્ફે મહેન્દ્ર ચુનીલાલ પ્રસાદ (પ્રજાપતિ) ઉંમર 28, રહે.પલસાણા (મૂળ રાજસ્થાન) તથા અશોક લાડુરામ ઉર્ફે લાલુરામ પ્રજાપતિ ઉંમર 30, રહે. તુંડી,પલસાણા (મૂળ રાજસ્થાન) ના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમની પાસેના મોટરસાયકલ ભરૂચના અંકલેશ્વર સીટી એ-ડિવિઝન વિસ્તારમાંથી ચોરાયેલા હતા. આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓ અગાઉ કોસંબા, અંકલેશ્વર અને કામરેજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના (પ્રોહિબિશન) વિવિધ ગુનાઓમાં પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને કામરેજ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

