સુરત શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓના નામે નકલી માલ પધરાવી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક સંયુક્ત ઓપરેશનમાં કામરેજ તાલુકાના પરબગામની હદમાં ચાલતી એક નકલી ક્લીનર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાની આડમાં અહીં જાણીતી બ્રાન્ડ ‘લિઝોલ’ (Lizol) ના નામે ડુપ્લીકેટ ફ્લોર ક્લીનર બનાવી બજારમાં ઉંચા ભાવે વેચવાનું મસમોટું કૌભાંડ ચાલતું હતું.

પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે પરબગામના ‘ઓમ ટેક્ષટાઈલ પાર્ક-૩’ ના પ્લોટ નં. ૧૮૪-૧૮૫ માં બીજા માળે ‘માપા ફેશન’ નામની ફેક્ટરીમાં નકલી સામાન બની રહ્યો છે. પોલીસે દરોડો પાડતા ત્યાં લિઝોલના પાંચ લીટરના સેંકડો કેન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ પ્લાસ્ટિકના કેનમાં નકલી લિક્વિડ ભરી તેના પર આબેહૂબ ‘લિઝોલ’ કંપનીના સ્ટીકરો લગાવી ગ્રાહકોને છેતરતા હતા.
આ મામલે પોલીસે કેમિકલ, મીઠું અને મશીનરી સહિત ૧૦.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કૌભાંડમાં પોલીસે ‘માપા ફેશન’ ના માલિક મોનિલ સંજયભાઈ ધોડીયા ની અટકાયત કરી છે. આરોપી મૂળ ભાવનગરના ગારીયાધારનો રહેવાસી છે અને હાલ સુરતના સીમાડા વિસ્તારમાં રહે છે. પોલીસે આ મામલે લિઝોલ કંપનીના ઓથોરાઈઝડ અધિકારીઓને પણ જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

