કામરેજ પોલીસે એક આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીની ત્રણ મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે ત્રણ ઇસમો કામરેજ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરીને પોતાના વતન રાજસ્થાન તરફ ભાગવાની પેરવીમાં છે. બાતમીમાં જણાવ્યા મુજબના કપડાં પહેરેલા શંકાસ્પદ ઇસમોને શોધવા માટે પોલીસે ખોલવડ ગામની સીમમાં મુંબઈ-અમદાવાદ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન પોલીસે સ્થળ પરથી (૧) બાબુભાઇ લખમાભાઇ ધ્રાંગી (ઉ.વ.૨૦) રહે. સોનવાડી, તા. અમીરગઢ, જી. બનાસકાંઠા (૨) પ્રવિણભાઇ લસારામ ચૌહાણ (ઉ.વ.૨૧) રહે. નવાગામ, કામરેજ (મૂળ રહે. સિરોહી, રાજસ્થાન) (૩) ચેતારામ ઉર્ફે ચેતુ બાબુરામજી સોલંકી (ઉ.વ.૨૦) રહે. નવાગામ, કામરેજ (મૂળ રહે સિરોહી, રાજસ્થાન) આ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૫૦,૦૦૦ની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે/૧૬/ડીજે/૧૩૨૪ , રૂ.૪૦,૦૦૦ની બજાજ મોટરસાયકલ જીજે/૦૫/પીયુ/૯૭૮૬, અન્ય એક નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર તથા રૂ.૯,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.આ ધરપકડથી કામરેજ પોલીસ સ્ટેશનના બે ગુનાઓ અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારની એક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

