Explore

Search

February 22, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : ડોલવણના વાંકલા ગામે નજીવી બાબતે આદિવાસી પરિવાર પર હુમલો: એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

ડોલવણના વાંકલા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતે એક શખ્સે આદિવાસી પરિવારના સભ્યોને પ્લાસ્ટિકની લાઠી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે વાંકલા ગામના મંદિર ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય મહિલાના ઘરે આરોપી ઘનશ્યામભાઈ કાનાભાઈ ગોસ્વામી આવ્યો હતો. આરોપીએ આ મહિલાબેનને પ્રશ્ન કર્યો હતો કે, “તમે મારી દીકરી ખુશીને બપોરે કેમ કોલેટી (કુલ્ફી) આપી હતી?”. આ નજીવી બાબતે અને અગાઉના જમીન વિવાદનું મનદુખ રાખી આરોપીએ બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

ઝઘડો વધતા આરોપી ઘનશ્યામે ઓટલા પર પડેલી પ્લાસ્ટિકની લાઠી વડે ફરીયાદીમહિલાની દીકરીના કપાળ અને બરડાના ભાગે ફટકા માર્યા હતા. વચ્ચે છોડાવવા પડેલા મહિલાને પણ બંને હાથની કલાઈ પર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને લોહી નીકળ્યું હતું. આ ઉપરાંત, ફરિયાદીના દીકરાને પણ બરડાના ભાગે લાઠી વડે માર મારવામાં આવ્યો હતો. ફળિયાના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ જતી વખતે તેણે “આજે તો તમે બચી ગયા છો, હવે બીજી વખત મળશો તો જીવતા નહીં રહેવા દઉં” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાએ ડોલવણ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ડોલવણ પોલીસે આરોપી ઘનશ્યામભાઈ ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક નિકિતાબેન શિરોયા ચલાવી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!