Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં 12 જૂન સુધી કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 12 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલીના ખાંભા, ગીર પંથકના ગામડાંઓમાં શુક્રવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા, ગીરના તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામડાંઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો.

જ્યારે અમરેલીના વડીયા સહિતના ગ્રામ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી બપોરના સમય બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં વડીયાના તોરી, રામપુર, હનુમાન ખીજડિયા સહિતના સ્થળોએ વરસાદી માહોલ છવાયો હતોઅમરેલીના ધારી પંથકમાં દલખાણીયા, ગીગાસણ બોરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો.

ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળ્યા હતા સાથે ખેતરોમાં પાણી ભરાયા હતા અને નાળા છલકાયા હતા. રાજ્યમાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તારીખ 8 જૂનના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 9થી 12 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Advertisement
error: Content is protected !!