સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ બોગસ પગાર સ્લીપ અને એનઓસીના એસબીઆઈ બેંકમાંથી જુદી જુદી બે લોન લીધી હતી. જોકે બેંકના ઓડિટ દરમિયાન બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી હોવાનું બહાર આવતા મેનેજરે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે શહેરના અઠવા પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડન્સીમાં રહેતી હંસાબેન મનહરલાલ સોલંકી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી રહી હતી. દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લેખિત અરજી કરીને પગાર સ્લીપ અને એનઓસી સહિત અન્ય ડોક્યુમેન્ટના આધારે ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં રૂ. ૬,૦૦,૦૦૦ની લોન મેળવી હતી. એ પછી ગત તા.૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વધુ ૧૩,૪૦,૦૦૦ની લોન મંજૂર થતાં મહિલા કર્મચારી હંસાબેન સોલંકીએ લીધી હતી. બીજી તરફ ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં બેંકમાં ઓડિટ કામગીરીમાં હંસાબેને રજૂ કરેલી પગાર સ્લીપ અને એસ્કોમ કંપનીની રજૂ કરેલી એનઓસીને ખરાઈ કરતાં ખોટી હોવાનું જણાય આવ્યું હતું. એ પછી બેંક દ્વારા મનપાની ઓફિસમાં ખરાઈ કરવામાં આવી હતી. જ્યાંથી મળેલી રિપોર્ટ મુજબ બેંકમાં લોન મેળવવા રજૂ કરેલા ડોક્યુમેન્ટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મજુરાગેટ એસબીઆઈ બેંકના મેનેજર સુલતાકુમારી રાકેશભાઈ યાદવે હંસાબેનનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ આપ્યો ન હતો. અંતે બેંક મેનેજર સુલતાકુમારીએ અઠવા પોલીસ મથકમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે કુલ રૂ. ૧૯,૪૦,૦૦૦ની જુદી જુદી બે લોન મેળવીને છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હંસાબેન મનહરભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.


