જુનાગઢના ગિરનાર પર્વત પર પ્રવાસીઓ માટે ચાલતી રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે ગિરનાર પર્વત પર છેલ્લા બે દિવસથી તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે મુસાફરોની સુરક્ષા માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર રોપ-વેને દક્ષિણ એશિયાનો સૌથી લાંબો રોપ-વે ગણવામાં આવે છે, અહીં દરરોજ હજારો યાત્રાળુઓને સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે પવનની ગતિ વધુ હોવાના કારણે કોઈ અઘટિટ ઘટના ના બને તે હેતુથી તંત્રએ રોપ-વે ને બંધ રાખવાનો નિર્ણય લીધો.
આ બાબતે રોપ-વે સંચાલક તંત્રએ જણાવ્યું હતું કે, હવામાન સ્થિતિ સામાન્ય થયા બાદ ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ રોપ-વેની સેવા ફરી શરૂ કરશે. જો કે, અત્યારે રોપ-વે બંધ હોવાના કારણે ગિરનાર આવેલા પ્રવાસીઓને મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ સારી વાત એ છે કે, તંત્ર દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કેટલાક લોકો નિરાશ છે, તો કેટલાક પ્રવાસીઓ સુરક્ષાની દ્રષ્ટિએ લેવાયેલા આ નિર્ણયને સારો ગણીને તંત્રની પ્રશંસા કરી રહ્યાં હતાં.
નોંધનીય છે કે, જુનાગઢ ફરવા માટે જતાં લોકો ગિરનાર જવાનું ભૂલતા નથી. મોટા ભાગે લોકો જુનાગઢના પ્રવાસ દરમિયાન ગિરનારમાં રાત્રિ રોકાણ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારે પ્રવાસીયો અને શ્રદ્ધાળુઓ ગિરનાર ચઢવાનું શરૂ કરતા હોય છે. જ્યારે જે લોકો ગિરનાર ચઢી શકતા નથી, તેઓ રોપ-વે દ્વારા અંબાજી શિખર સુધી જાય છે અને ત્યારબાદ ગુરૂ દત્તાત્રયના શિખર સુધી ચાલતા જાય છે. પરંતુ અત્યારે રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
