છોટાઉદેપુરમાં ભાભી દિયરના પવિત્ર સંબંધને લજાવતા ભાભી સાથે જ પ્રેમના પાઠ ભણનાર દિયરે પોતાના જ ભાઈની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.દિયર ભાભીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દિયરને માતા જેટલો પ્રેમ ભાભી પાસેથી મળતી હોય છે. ત્યારે આ દિયર ભાભીના સંબંધને લજવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે, અને દિયરને ભાભી સાથે આડા સંબંધ બંધાઈ જતાં નાના ભાઈએ પોતાના સગા મોટાભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે.
વાત છે છોટા ઉદેપુર જીલ્લાના ગુડા ગામની ગુડા ગામમાં રહેતા મોરશનભાઈ ભોળિયાભાઈ રાઠવાના લગ્ન બાજુના જ વીરપુર ગામે થયા હતા. ને લગ્ન પછી મોરશનભાઈ મોટે ભાગે સાસરીમાં જ રહેતા હતા અને તેઓનો છોકરા, પત્ની પણ સાસરે જ રહેતા હતા, મોરશનભાઈ સમયાંતરે પોતાના ઘરે આવતા હતા, ઘરે તેમનો નાનો ભાઈ શંકરભાઈ રાઠવા પણ રહેતા હતા.
સમય જતાં શંકરભાઇને પોતાની ભાભી બલીબેન સાથે આડા સંબંધ બંધાયા હતા.આ સંબંધની જાણ મોટાભાઈ મોરશનભાઈને થઈ જતા બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા.ત્યારે તા.૨૮ માર્ચની રાત્રે મોરશનભાઈ ઘરની બહાર અડારી નીચે સૂઈ ગયા હતા.ત્યારે નાના ભાઈ શંકરભાઈ અને તેમની ભાભી બલીબેન સાથેના આડા સંબંધમાં આડખીલી બની રહેલા મોટાભાઈ મોરશનભાઈને પોતાના રસ્તા વચ્ચેથી હટાવવાનું શંકરભાઇએ નક્કી કર્યું હતું. અને રાત્રિ દરમિયાન સૂઈ રહેલા મોટાભાઈ મોરશનભાઈને નાનાભાઈ શંકરભાઈએ ઘરમાંથી પરાઈ લઇને મોઢાના ભાગે તથા માંથાના ભાગે એક પછી એક ઘા કર્યા હતા, અને પરાઈના ઘાથી ગંભીર રીતે ઈજા પામેલા મોરશનભાઈનું ખાટલામાં જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
પોતાના મોટાભાઈની કરપીણ હત્યા કરીને નાનોભાઈ ફરાર થઈ ગયો હતો, સવારે મોરશનભાઈની હત્યનું જાણ પાડોશીઓને થતા ઝોઝ પોલીસને જાણ કરી હતી. અને ઝોઝ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આરોપી નાનાભાઈ શંકરભાઈ સામે ગુનો નોધી કાર્યવહી હાથધરી હતી. ઝોઝ પોલીસે ગુનો નોંધી લાશનું પોસ્ટ મોર્ટમ થયા બાદ આરોપી હત્યારા નાનાભાઈ શંકરની તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


