બારડોલી નો ગામતળ વિસ્તાર ના પ્રકાશ સિનેમા રોડ ઉપર આવેલા પ્રકાશ પાર્ક શોપિંગ સેન્ટરમાં ગણેશ વિસર્જન ની રાત્રી એ બે દુકાનો ના શટર તોડી તસ્કરો કુલ રૂ.૮૨ હજાર ની મતા ચોરી ભાગી છુટ્યા હતા. ફરિયાદ ની તપાસ દરમ્યાન પોલીસે બે તસ્કરો ને ઝડપ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી ના પ્રકાશ સિનેમા રોડ ઉપર આવેલા પ્રકાશ પાર્ક શોપિંગ સેન્ટરમાં કનૈયા સ્ટોર્સ નામની અનાજ કરિયાણાની ગ્રોસરી શોપ આવેલ છે. ગણેશ વિસર્જન ના તારીખ 17મી ના દિવસે દુકાનના ભાગીદાર નાનક ચંદુ દત્તાણી રહે. સિંધુનગર, શાસ્ત્રી રોડ, બારડોલી બપોરના દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તેમણે દુકાનમાં સ્ટીલની પવાલીમાં બે થી ત્રણ દિવસના વકરાના રૂ.૮૦ હજાર કાપડ ની પોટલીમાં બાંધી મૂક્યા હતા. બીજા દિવસે તારીખ 18 મે સવારે દુકાન ખોલવા જતા તેમને પોતાની દુકાનનું તાળા મારેલું શટર અડધું ઉંચકાયેલું જોવા મળ્યું હતું. દુકાનમાં તપાસ કરતા તેમને પવાલીમાં મુકેલા પૈસા ગુમ થયેલા જણાયા હતા. આસપાસ પૂછપરછ કરે તે દરમિયાન તેમને શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલ જલારામ ફર્નિચર એન્ડ મેટ્રેસીસ નામની દુકાનમાં પણ સટર તૂટ્યા હોવાનું જણાયું હતું ની. અહીંથી તસ્કરોને માત્ર ચાંદીના ત્રણ સિક્કા કિંમત રૂ.૨૫૦૦ ની મતા મળી હતી. બંને દુકાનોમાં મળી થયેલી કુલ રૂ. ૮૨૫૦૦ રોકડ રકમની ચોરી બાબતે બારડોલી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ ની તપાસ દરમ્યાન પોલીસે તેઓને મળેલી બાતમી આધારે મહંમદ ઉર્ફે મનો સલીમ રસુલ શેખ અને ફૈયાસ ઉર્ફે રાજુ કાસમ પીરમ શેખ (બંને રહે. તલાવડી, બારડોલી ) ને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપ્યા હતા. પોલીસે તશ્કરો પાસેથી રૂ.૧૦ હજાર રોકડા તથા ચાંદીના ત્રણ સિક્કા મળી કુલ રૂ.૧૨૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.


