ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાય છે. બદ્રીનાથ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થવાથી અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. બદ્રીનાથ યમનોત્રી હાઈવે બંધ થઈ જતા ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના પાલનપુરના 40 યાત્રાળુઓ અધવચ્ચે ફસાયા છે.
હાલ એકતરફ ચારધામની યાત્રાઓ થઈ રહી છે તે દરમિયાન ઉતરાખંડમાં ભારે વરસાદને કારણે શનિવારે બદ્રીનાથ નેશનલ હાઈવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે લાંબગડ, નંદપ્રયાગ, સોનાલા અને બેરેજ કુંજમાં રસ્તો બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનની સ્થિતિને કારણે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચેનો વૈકલ્પિક માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉતરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને લઈને નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવતાં યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા છે. જેમા બનાસકાંઠાના પાલનપુરથી યાત્રાએ ગયેલા 40 જેટલા યાત્રાળુઓ પણ ફસાયા છે. જો કે નેશનલ હાઇવે બંધ થવાથી સ્થાનિક લોકો પણ અટવાયા છે. હાલ જેસીબીની મદદથી રસ્તાઓને પુનઃ પરિવહન માટે યથાયોગ્ય બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.વળી બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તરાખંડના કેટલાક દક્ષિણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને અન્ય ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો અને જિલ્લા મેજિસ્ટ્રેટને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.


