વલસાડ જિલ્લાનાં પારડીનાં કુંભારવાડ વિસ્તારમાં આવેલ બંસી જવેલર્સમાં ગ્રાહક બની આવેલ અજાણ્યા શખ્સે વેપારીની નજર ચૂકવી આશરે રૂપિયા ૨.૫૦ લાખની સોનાની ચેઈન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, પારડીનાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા દીપકભાઈ ચંપકલાલ પારેખ કુંભારવાડ ખાતે લક્ષ્મી ફર્નિચરની સામે વર્ષ ૧૯૯૦થી બંસી જવેલર્સ નામે દુકાન ચલાવે છે. તારીખ ૩ ઓક્ટોબર નારોજ બપોરનાં અરસામાં એક અજાણ્યો શખ્સ બ્લ્યુ-સફેદ ચોકડીવાળો શર્ટ, ટોપી અને મોઢા પર માસ્ક પહેરી દુકાનમાં આવ્યો હતો.
શખ્સે નાકમાં પહેરવાની સોનાની જડ બતાવવા કહેતા વેપારીએ દાગીના બતાવ્યા હતા અને તેણે રૂપિયા ૧,૯૦૦/-ની સોનાની જડ ખરીદી હતી. બિલ બનાવવાનું કહેતા શખ્સે પત્નીને બતાવીને દસ મિનિટમાં પરત આવવાનું કહી દુકાનમાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ તે ફરી દુકાનમાં આવી સોનાની બુટ્ટી બતાવવા કહ્યું હતું. વેપારી તેને દાગીના બતાવી રહ્યા હતા. તે દરમિયાન તેની નજર ચૂકવી શખ્સે પ્લાસ્ટિકના સ્ટોક બોક્સમાં લાલ કાગળના પડીકામાં રાખેલ સોનાની ૮ ચેઈન જેનું કુલ વજન આશરે ૫૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨.૫૦ લાખ તફડાવી લીધી હતી. શખ્સ ગયા બાદ વેપારીને ચેઈન ગુમ હોવાનું જણાતાં પુત્ર સાગરને જાણ કરી હતી.
ત્યારબાદ દુકાનના સીસીટીવી કેમેરા તપાસતાં અજાણ્યો શખ્સ ચેઈનની ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. આસપાસ શોધખોળ કરવા છતાં શખ્સનો પત્તો લાગ્યો નહોતો. ચોરી અંગે દીપકભાઈ પારેખે પારડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)(file photo)


