સુરત જિલ્લાનાં કીમ ગામનાં બાપુ ભવન નજીક મુન્ના એજન્સી પાસે રહેતા અને મજૂરી કામ કરતા શિવેન્દ્ર લલ્લુરામ દુબેની ૨૩ વર્ષીય પત્ની પ્રિયંકાદેવી મોટા બોરસરા ગામની સીમમાં આવેલી શ્રીયાસ એન્ટરરપ્રાઈઝ નામની વેસ્ટેજ મટીરિયલની ફેક્ટરીમાં રોજિંદા કામકાજ અર્થે ગઈ હતી. તે ફેક્ટરીમાં થ્રેશર મશીન ઉપર બેસીને વેસ્ટેજ પ્લાસ્ટિક કચરો મશીનની અંદર નાંખી રહી હતી.
તે દરમિયાન અચાનક પ્રિયંકાદેવીનો પગ કે હાથ લપસતા તેઓ આકસ્મિક રીતે ચાલુ થ્રેશર મશીનમાં આવી જતાં મોઢાના ભાગે, જમણા હાથે તેમજ સમગ્ર શરીરે જીવલેણ અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ત્યાં હાજર કામદારો દોડી આવ્યા હતા અને મશીન તાત્કાલિક બંધ કર્યુ હતું. પરંતુ ત્યાં સુધીમાં પ્રિયંકાદેવીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પતિ શિવેન્દ્ર દુબેએ પાલોદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


