સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં વાવ ગામનાં યુવક મોબાઈલ ફોનમાં એક પછી એક ઓટીપી આવવા લાગ્યા બાદ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૨,૨૨,૯૯૮/- કપાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામના વતની અને હાલ કામરેજ તાલુકાનાં વાવ ગામનાં શાશ્વત લક્ઝરીયા એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા ૨૪ વર્ષીય યશ ઘનશ્યામભાઈ કાચડીયા છેલ્લા ત્રણ વર્ષથી સુરત કતારગામ ખાતે હીરા ઘસવાનું કામ કરે છે. જોકે રાત્રીનાં સમયે યશના મોબાઈલ નંબર પર અચાનક ઓટીપી આવવાનું શરૂ થયું હતું.
કોઈ અજાણ્યા વ્યવહારોની શંકા જતા તેમણે તુરંત પોતાનાં મોબાઈલ ફોનનું ઇન્ટરનેટ ડેટા કનેક્શન બંધ કરી દીધું હતું. ત્યારબાદ રાત્રે દસ વાગ્યે તેમણે મોબાઈલ ચેક કરતા બેંકમાંથી રૂપિયા કપાઈ ગયા હોવાના મેસેજ જોવા મળ્યા હતા. આથી તેમણે તાત્કાલિક ઓનલાઈન એપ્લિકેશન મારફતે પોતાની ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતાનું બેલેન્સ તપાસતા ખાતામાંથી રૂપિયા ૨,૨૨,૯૯૮/- ઓછા હોવાનું જણાઇ આવ્યું હતું.
ત્યારબાદ તેમણે બેંક હેલ્પલાઇન પર સંપર્ક કરીને ખાતું બ્લોક કરાવી દીધું હતું. તેમજ બેંક સ્ટેટમેન્ટની વિગતો મેળવતા સામે આવ્યું કે અજાણ્યા સાયબર ગઠિયાઓએ મોબીક્વિક અને એસઆર એન્ટરપ્રાઈઝના વિવિધ યુપીઆઈ આઇડી મારફતે ૫૦ હજાર, ૭૮ હજાર તેમજ ૪૭ હજારથી વધુની રકમ મળી કુલ ચાર અલગ વ્યવાહરો કરીને કુલ રૂપિયા ૨,૨૨,૯૯૮/- ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે યશએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


