અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર વડોદરા જિલ્લાના પોઈચા નજીક સોમવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. પીકઅપ વાહન સાથે ઈકો કાર અથડાતાં કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કારચાલકનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં તે બહાર નીકળી શક્યા ન હતા અને પત્ની, બાળકો તથા પરિવારજનોની નજર સામે જ જીવતા ભડથું થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના અને હાલમાં મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામે રહેતા પરિવારજનો ઈકો કારમાં વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર પોઈચા નજીક એક બોલેરો પીકઅપનો ચાલક હાઈવેની પ્રથમ લેનમાં જ ઝડપથી રિવર્સ વાહન હંકારતો હતો. પરિણામે પાછળથી આવી રહેલી ઈકો કાર પીકઅપ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત બાદ ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારમાં સવાર સવિતાબેન પરમાર, તેમની દીકરી, વેવાણ અને ત્રણ બાળકો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
જોકે કાર ચલાવી રહેલા જગદીશભાઈનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આગ ઝડપથી સમગ્ર કારમાં પ્રસરી જતાં પરિવારજનોની નજર સામે જ તેઓ જીવતા દાઝી ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.આ બનાવ અંગે સવિતાબેન પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણો અને પીકઅપ વાહનચાલકની ભૂમિકાની તપાસ હાથ ધરી છે.


