વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા પોલીસે ચીવલ ગામની સીમમાંથી 6 જુગારીયાઓને રૂપિયા 1.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. જયારે બીજા બનાવમાં પોલીસે ડહેલી ગામેથી 4 જુગારીયાઓને રૂપિયા 86 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. બનાવ અંગે પોલીસે બે અલગ અલગ ફરિયાદો નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, નાનાપોંઢા પોલીસને ચીવલ ગામના દાદરી ફળિયાના રહીશ સંજયભાઈ વેસ્તાભાઈ પટેલના ઘરના આંગણામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતાં જુગાર રમી રહેલ જીતેન્દ્ર ઉડભાઈ નાયક (રહે.દરગાહ ફળિયા), શૈલેષ પ્રેમભાઈ પટેલ (રહે. દાદરી ફળિયા), ભરત લક્ષ્મણભાઈ પટેલ (રહે.પટેલ ફળિયું ચીવલ), નિલેશ મગનભાઈ પટેલ (રહે.નીલાશરી ફળિયું નાનાપોંઢા) અને દેવજ ભીમજીભાઈ જાદવ (રહે. લુહાર ફળિયા નાનાપોંઢા)ને ઝડપી પાડ્યા હતા.
આમ, પોલીસે સ્થળે પરથી દાવ ઉપરના રૂપિયા, અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા, મોપેડ, બાઈક મળી કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ કબ્જે કાર્યો હતો. જયારે બીજા બનાવમાં નાનાપોંઢા પોલીસે ડહેલી ગામના મંદિર ફળિયાની આંબાવાડીના જુગારધામ પર છાપો માર્યો હતો. ત્યાં જુગાર રમી રહેલા સાજીદ સફી શેખ (રહે.મુસ્લિમ ફળિયું નાનાપોંઢા), જાકીર શિરાજ મલિક (રહે.બાબરખડક ગામ,કપરાડા), અફઝલ અલ્તાફ શેખ અને ઉવેશ આસિફ શેખ (બંને રહે.મુસ્લિમ ફળિયું ડહેલી)ને ઝડપી લઈ દાવ ઉપરના અને અંગ ઝડતીમાંથી મળી આવેલ રૂપિયા અને બાઈક મળી કુલ રૂપિયા 86 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

