Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : ઈકો ગાડીમાં પેસેન્જર બનીને બેસેલા વકીલના ખિસ્સામાંથી રૂ.૨૭ હજારની ચોરી

બારડોલીના ધુલીયા ચાર રસ્તાથી નવસારી જવા માટે નીકળેલા એક વકીલ સાથે ઈકો ગાડીના ચાલક અને ક્લીનરે નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બારડોલી ટાઉન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગત પ્રમાણે મૂળ નવસારીના અને હાલ વ્યારા ખાતે રહી વકીલાતની પ્રેક્ટિસ કરતા સતીષકુમાર ધનસુખલાલ પટેલ ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે નવસારી કોર્ટમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ બારડોલી ધુલીયા ચાર રસ્તાથી એક ગ્રે કલરની ઈકો ગાડી નંબર જીજે/૨૧/સીઈ/૮૧૩૭માં પેસેન્જર તરીકે બેઠા હતા. વકીલ શરૂઆતમાં પાછળની સીટ પર બેઠા હતા, પરંતુ ડ્રાઈવરે “પાછળ લેડીઝ બેસવાની છે” તેમ કહી તેમને આગળ ક્લીનરની બાજુમાં બેસાડ્યા હતા. ગાડી ચાલતી હતી ત્યારે ક્લીનરે “મને બરાબર બેસતા ફાવતું નથી” તેમ કહી ૨-૩ વખત વકીલને ઉભા કરી હેરાન પણ કર્યા હતા. આ દરમિયાન ક્લીનરે નજર ચૂકવી વકીલના પર્સમાં રાખેલા રૂપિયા ૨૭ હજાર રોકડા કાઢી લીધા હતા. ત્યારબાદ, નવસારી રોડ પર આવેલી અલનુર સોસાયટી પાસે વકીલને ઉતારી દઈ આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. પર્સ તપાસતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. વકીલે આ અંગે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!