ચેક રીટર્નના કેસમાં મુંબઈના સાક્ષી એપેરલ્સના માલિક સંજીવ આર. દુબેની સુરત સેશન્સ કોર્ટએ અપીલ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે.
કેસની વિગત મુજબ, ફરીયાદી નીરજ સુરેશચંદ્ર ગુપ્તા ઉમરવાડા ખાતે સાડી મેન્યુફેક્ચરીંગ તથા વેચાણનો ધંધો કરતા હતા. આરોપી સંજીવ દુબે (રહે. સાક્ષી એપેરલ્સ, અંધેરી ઈસ્ટ, મુંબઈ)એ ફરિયાદી પાસેથી રૂ. 17,13,520નો માલ ખરીદ્યો હતો. ચુકવણી અર્થે આપેલ ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવ્યો ત્યારે સ્ટોપ્ડ પેમેન્ટના કારણે 28 માર્ચ 2017ના રોજ પરત ફર્યો હતો. નોટિસ મોકલ્યા બાદ પણ ચુકવણી ન થતાં ફરિયાદીએ એડવોકેટ ધર્મેશ એમ. ગાંધી અને સમીરા એચ. મલેક મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ટ્રાયલ કોર્ટએ આરોપીને દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા રૂ. 17,21,020નો દંડ ફટકાર્યો હતો. જેમાંથી ચેકની રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો આદેશ કરાયો હતો. ટ્રાયલ કોર્ટના આદેશ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે દલીલ કરી કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો પુરાવાઓના આધારે યોગ્ય છે. અંતે સેશન્સ કોર્ટે આરોપીની અપીલ રદ કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કન્ફર્મ રાખ્યો હતો. સાથે જ આરોપીને 7 દિવસની અંદર કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

