નિઝર તાલુકામાં ખોટા પુરાવાઓ રજુ કરીને જમીનોમાં ખોટી રીતે નામ દાખલ કરી જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર ઉજાગર થયું છે,નિઝર તાલુકાના દેવાળા ગામની સીમમાં આવેલ જમીનમાં ખોટા દાખલા રજુ કરી પેઢીનામુ રજુ કરી જયોતિબેન રાજપુત નામની મહિલાએ જમીનમાં ખોટી વારસાઈ કરાવી હોવાની નિઝરના મહિલા મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાળા ગામની સીમમાં આવેલ જમીન સર્વે નંબર ૬,૭ (જુનો-૨, ૩) વાળી જમીન લાલસિંગ ગંગારામના અવસાન બાદ સત્તરસિંગ લાલસિંગનું નામ એ.કુ.૧.૪, તરીકે ચાલી આવેલ છે, ત્યારબાદ સત્તરસિંગ લાલસિંગનું અવસાન થતા ગણોત વારસાઈની નોંધ નંબર ૧૭૦૨, તા.૧૩/૧૦/૨૦૧૧થી તેમના સીધીલીટીના વારસદારો (૧) પદમકોરબેન સત્તરસિંગ રાજપુત પત્નિ મૈયત (૨) બાલુબેન સત્તરસિંગ રાજપુત પુત્રી (૩) પિંજાલાબેન સત્તરસિંગ રાજપુત પુત્રી (૪) સુનિતાબેન સત્તરસિંગ રાજપુત પુત્રી (૫) મંગલાબેન સત્તરસિંગ રાજપુત પુત્રી (૬) ઉમાબેન સત્તરસિંગ રાજપુત પુત્રી કાયદેસરના વારસદારો હોય,જોકે જયોતિબેન યોગેશભાઇ રાજપુત (રહે.દેવાળા ગામ તા.નિઝર જી.તાપી)ની સત્તરસીંગ લાલસીંગ રાજપુતની પુત્રી ન હોવા છતા પેઢીનામામાં પોતાનું ખોટું નામ દર્શાવી ખોટા પુરાવા ઉભા કરી વડીલો પાર્જીત જમીન સર્વે નં. ૬,૭ (જુનો-૨,૩) માં કાયદેસરના વારસદાર હોવાનું ખોટુ નામ દાખલ કરી ઠગાઇ કરી છે.
નિઝરના મહિલા મામલતદાર તેજલકુમારી ચંદુભાઈ પટેલના જણાવ્યા અનુસાર કોર્ટ દ્વારા ઉકત મુજબ સુઓમોટો રીવીઝનમાં લીધેલ ફેરફાર નોંધોને તેમના તા.૩૧/૦૭/૨૦૨૫ ના હુકમ ક્રમાંક: આરટીએસ/સુઓમોટો/રીવીઝન/કેસ નં.૦૬/૨૦૨૫ વશી. ૪૫૪૪ થી ૪૫૫૬ થી નામંજુર કરવામાં આવેલ છે તથા હુકમના તારણ અનુસાર સદર નોંધો દાખલ કરતી વખતે જયોતિબેન યોગેશભાઈ રાજપુત (રહે.દેવાળા ગામ તા.નિઝર) દ્વારા ફ્રોડ કરવામાં આવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટીએ જણાય આવતા ફોજદારી રાહે ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે. બનાવ અંગે નિઝર પોલીસે તા.૨૮મી નારોજ જયોતિબેન યોગેશભાઈ રાજપુત વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

