વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 7 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 29મી ઓગસ્ટ ના રોજ રાત્રે 9:30 કલાકે મળતી વિગતો પ્રમાણે ઉકાઈ ડેમમાં હાલ 1,10,965 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમના 7 દરવાજા 6 ફૂટ ખોલીને ડેમમાંથી 95,171 ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટીએ રૂલ લેવલ વટાવી દીધું છે. ડેમનું રૂલ લેવલ ૩૩૫ ફુટ છે, ડેમની સપાટી હાલ 335.93 ફૂટે પહોંચી છે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. જેને લઈને નદી કિનારાના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાનો ભય છે. તંત્રએ સ્થાનિક લોકોને અને માછીમારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, સુરત સહિતના નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ વરસાદી માહોલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક એ ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે થઈ શકશે. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ દરવાજા ખોલવા માટે તૈયાર છે.
પ્રકાશા ડેમની સ્થિતિ પર એક નજર : પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણ ખોલીને 61,724 કયુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે, ડેમની હાલની સપાટી 108.050 મીટર પર પહોંચી છે.
હથનુર ડેમની સ્થિતિ પર એક નજર : હથનુર ડેમની સપાટી 211.120 મીટર પર પહોંચી છે, જેના કારણે હથનુર ડેમના 10 દરવાજા સંપૂર્ણપણે ખોલીને ડેમ માંથી 65,262 કયુસેક જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.

