ઉચ્છલ તાલુકાના છાપટી ગામે કોઈપણ કાયદેસરના અધિકાર વિના મેડીકલ પ્રેકટીસ કરતા મહારાષ્ટ્રના એક શખ્સને એલોપેથિક દવાના જથ્થા તેમજ મેડીકલને લગતા સરસામાન સાથે એસઓજીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો પ્રમાણે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૧ ઓગસ્ટના રોજ એસઓજી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલી કે, ઉચ્છલ તાલુકાના છાપટી ગામે દુધ ડેરીની ઉપર રૂમમાં એક બોગસ ડોકટર સુનીલ દાજભાઉ ઠાકરે ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરે છે, આજુબાજુના ગામમાંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરવામાં આવતી હોવાની હક્કીત જાણવા મળતા જે જગ્યા ઉપર એસઓજીએ દરોડા પાડી આરોપી સુનીલભાઈ દાજભાઉ ઠાકરે(હાલ રહે.છાપટી ગામ દુધ ડેરી પાસે,તા.ઉચ્છલ, જિ.તાપી મુળ રહે. અમોદે ગામ પોસ્ટ.મ્હસાળે, તા.સાકી, જી.ધુલીયા-મહારાષ્ટ્ર) પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગતા સામાનનો જથ્થો મળી કુલ રૂ.૧,૦૧,૫૮૭/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો. આ બનાવમાં સુનીલભાઈ ઠાકરે વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં ધરવામાં આવી છે.

