લખતર ગ્રામ પંચાયતની ગત સામાન્ય ચૂંટણીઓમાં મહિલા સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારે ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને સરકારી જમીન ભાડા પટ્ટે આપવા બાબતે તેમની સામે રજૂઆતો થઈ હતી. આ રજૂઆતોની તપાસ બાદ જિલ્લાકક્ષાએ રીપોર્ટ કરાયો હતો. જેમાં તા.11મી ઓગસ્ટના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ લખતર મહિલા સરપંચને હોદ્દા પરથી દુર કર્યાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાંથી પાંચમાં નગરપાલિકા અને સુરેન્દ્રનગર-વઢવાણમાં મહાનગરપાલિકા આવેલી છે. જયારે 4 તાલુકા મથકે ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં સાયલા, ચુડા, લખતર અને મુળીનો સમાવેશ થાય છે. જિલ્લાની લખતર ગ્રામ પંચાયત જિલ્લાની મોટી ગ્રામ પંચાયતોમાંની એક છે. લખતર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રંજનબેન ગંગારામભાઈ વરમોરા ગત સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટાયા હતા. ત્યારે લખતરમાં વિકાસના કામોમાં ગેરરીતિની રાવ ઉઠી હતી. જેમાં લખતરમાં 15મા નાણાપંચની ગ્રાંટમાંથી બુટમાના મંદિરથી પોસ્ટ ઓફીસના છેડા સુધી ભુગર્ભ ગટરનું કામ થયુ હતુ. આ કામ પુરૂ થયાનું તા. 19-9-22મીએ કમ્પલીશન સર્ટી પણ અપાયુ હતુ. પરંતુ રજૂઆત બાદ તપાસ થતા પોસ્ટ ઓફીસના છેડાથી યુનુસભાઈના ઘર સુધી જ કામ થયુ હતુ.
આ ઉપરાંત ગાડી દરવાજા પાસે કમ્પાઉન્ડ વોલના કામમાં 45 મીટરના બદલે 37.25 મીટરનું કામ થયુ હતુ. આ ઉપરાંત લખતર પંચાયત હસ્તકની જમીન 3 વર્ષથી ભાડા પટ્ટે આપવા બાબતે સરકારે જાહેર કરેલ જંત્રી ધ્યાને લીધા સિવાય નજીવા ભાડે પટ્ટે આપી હતી. આ તમામ બાબતોએ રજૂઆત થતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરીને જિલ્લા કક્ષાએ રીપોર્ટ આપ્યો હતો. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા વીકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીકે તા.11મી ઓગસ્ટના રોજ લખતર સરપંચ રંજનબેન વરમોરાને તેમના હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કર્યો છે.


