તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ અરજદારો દ્વારા જિલ્લા અને તાલુકા સ્વાગત કરવામાં આવેલા પ્રશ્નો તેમજ અન્ય પોર્ટલો ઉપર નાગરિકો દ્વારા અપલોડ કરવામાં પ્રશ્નોના પ્રક્રિયાલક્ષી નહીં પરંતુ અસરકારક અને પરિણામલક્ષી નિકાલને પ્રાધાન્ય આપવા સૂચના આપી હતી.
પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ દ્વારા આગામી ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનાર કાર્યક્રમ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી લાભાર્થીઓની માહિતી મેળવી હતી.આ ઉપરાંત, બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, એજી ઓડિટ પારા, સરકારી નાણાંની વસુલાત, તકેદારી આયોગની અરજીઓ, ઇ-સરકાર પોર્ટલની અમલવારી અંગે તેમજ સાંસદ-ધારાસભ્યોની રજૂઆત જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં સરકારી નાણાંની સમયસર વસુલાત સુનિશ્ચિત કરવા, સાંસદ-ધારાસભ્ય અને પદાધિકારીઓના પ્રશ્નોનો યોગ્ય અને સમયસર ઉકેલ કરવા, તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે તાત્કાલિક તપાસ કરીને અહેવાલ રજૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

