બારડોલીનાં હિંડોલીયા ગામની સીમમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને મોપેડને અડફેટે લેતા ગંભીર ઈજાથી ઉકાઈની યુવતીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ ઉકાઈના ૫૦૦ કવાર્ટર્સ ખાતે રહેતા ઝંખનાબેન અરવિંદભાઈ ગામીત અને સતિષભાઈ ચંપકભાઈ ગામીત બારડોલી તલાવડી ખાતે રહેતા તેમના બહેનના ઘરે આવ્યા હતા. ઝંખનાબેન ગામીતને ભૂખ લાગી હોવાથી સતિય તેમને હાઈવે પરની એક હોટલ પર નાસ્તો કરાવવા લઈ ગયા હતા. 
તેઓ પોતાની મોપેડ પર બારડોલી પરત આવી રહ્યા હતા. તે સમયે હિંડોલીયા નજીકથી પાછળથી આવેલ એક અજાણ્યા વાહને તેમની મોપેડને ટક્કર મારી હતી. જેથી ઝંખનાબેન અને સતિષભાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માત કરી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે ૧૦૮ને ફોન કરતા એમ્બ્યુલન્સ દ્વારા બંનેને બારડોલીની સરકારી હોસ્પિટલમાં પહોંચાડાયા હતા. જ્યાં ડોક્ટરે ઝંખનાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સતિષને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

