નવસારીનાં એંધલ ગામ પાસેથી એલ.સી.બી. પોલીસે દમણથી કામરેજ લઇ જવાતો રૂપિયા ૨.૯૮ લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો અને પાયલોટિંગ કાર સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરી રૂપિયા ૧૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે, દમણથી જૂના કપડાની આડમાં એક ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને કામરેજ લઇ જવામાં આવી રહ્યો છે. 
જેના આધારે પોલીસની ટીમે હાઈવે રોડના એંધલ ગામ, વાંઝરી ફળિયા પાસે વોચ ગોઠવી બાતમીના આધારે ટેમ્પોને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી અને બિયરની બોટલો નંગ ૧,૨૨૪ જેની કિંમત રૂપિયા ૨,૯૮,૮૦૦/-નો જથ્થો મળી આવતા પોલીસે ચાલક કમલ ગણેશભાઈ પરસાઈ (રહે.૪૦૧, સનવિહાર એપાર્ટમેન્ટ, કોળીવાડ, ગીતાનગર, વાપી. મૂળ રહે.વીરગંજ, નેપાળ) તથા વિદેશી દારૂ ભરેલ ટેમ્પોનું પાયલોટિંગ કરનાર સ્વીફ્ટ કારનો ચાલક વિકી દીપકભાઈ નાયકા (રહે.નાયકવાડ, વાપી) તથા તેમાં સવાર તિરૂપતિ સીનુભાઈ અંતારામ (રહે.વચલું ફળિયું. મહાલક્ષ્મી નગર, ચલા, વાપી)ને ઝડપી પાડી વિદેશી દારૂ અને ટેમ્પો તથા સ્વીફ્ટ કાર મળી રૂપિયા ૧૩,૧૦,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

