હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સર્વત્ર મુશળાધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, અમીરગઢ, દિયોદર, લાખણી, કાંકરેજ, ભાભર સહીતના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાવો હતો.
ધોધમાર વરસાદ પડતાં પાલનપુર આબુરોડ હાઈવે ઉપર પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. તેમજ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીંચણ સમાન પાણી એકત્રિત થતાં સર્જાયેલી પરિસ્થીતીને લીધે સ્થાનિકોને ભારે હાડમારીઓ વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન ભારે વરસાદને કારણે પાણી પાણી થયું છે.
દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં અનરાધાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ચુસતાં ધરવખરી ભારે નુકસાન થયું છે. પાલનપુર શહેરમાં વહેલી પરોઢે સાંબેલાધાર વરસાદ પડતા શહેરના જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડોક્ટરની હાઉસની પાછળના વિસ્તારમાં સફાઇના અભાવે નાળા બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો થયો હતો. લાંબા સમયથી સફાઇ ન થતાં નાળામાં કચરો અને પ્લાસ્ટિક જામ થતા પાણીનો પ્રવાહ અટકી જતાં સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકશાન થયું હતું. પાલનપુરના ગુરૂવારે વહેલી સવારે વરસાદે ગાજવીજ સાથે મુશળાધાર વરસાદ ખાબકી ગયો હતો. બપોર સુધી અવિરત વરસતા સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈ આબુ હાઇવે પર બિહારી બાગ, ગઠામણ પાટીયા, ડેરી રોડ પર આદર્શ સ્કૂલ રોડ કીર્તિસ્તંભ જેવા વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બેચરપુરા, ગણેશપુરા, ભવદીય સોસાયટી, મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘર વખરી નુકશાન થવા પામ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે. પાલનપુરમાં ભારે વરસાદ પડતા ગોબરી તળાવ મોવરફલો થયું હતું.
આ તળાવમાં શહેરનું પાણી વધુ પ્રમાણમાં આવી જતા તળાવનું પાણી નવા ગંજ અને આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય તે માટે વહિવટી તંત્ર દ્વારા ગોબરી તળાવના નીચાણવાળા વિસ્તારના ખેતરોના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલનપુરના સવા આઠ ઈંચ વરસાદ પડતાં લડબી નદી બંને કાઠે વહેલા લાગી હતી. ગઢ ગામે સિઝનમાં લડબી નદીમાં પ્રથમ વખત પાણી આવતા ભૂગર્ભ જળ ઉચા આવવાની આશાને લઈ લોકોમાં ખુશાલી વ્યાપી હતી અને નદીમાં આવેલા નીરને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વડગામમાં તાલુકા પંચાયતની રેકર્ડ શાખાના રૂમમાં પાણી ઘૂસી જતાં છેલ્લા ત્રણ વર્ષના દાખલા અંગેના સરકારી રેકર્ડ પલળી ગયા હોવાનું વડગામ ટીડીઓએ જણાવ્યું હતું.
વડગામમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયત, ખેરાલુ રોડ, નવા બસ સ્ટેપ વવાડિયા રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મુશળધાર વરસાદ પડતાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાયા હતા. પાલનપુરના ગઢ ગામે પશુભાઈ દેવાભાઈ પગીના મકાનની દીવાલ ધરાશાયી થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનામાં સદનસીબે જનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

