Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

યુવાને ૭ વર્ષ પહેલા હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હતો,ગુન્હો નોંધાયો

થાન તાલુકાના નવાગામ ગામે રહેતા યુવાને હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં ૭ વર્ષ પહેલા અપલોડ કર્યો હતો. ત્યારે આ અંગેની થાન પોલીસને માહીતી મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

આ યુવાને પોતાના પિતાના પરવાનાવાળા હથીયાર સાથે ફોટો અપલોડ કર્યાનું ખુલતા બન્ને પિતા-પુત્ર સામે થાન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હથીયાર રાખવુ એ એક સ્ટેટસ સીમ્બોલ બની ગયુ છે. લોકો હથીયાર સાથેના ફોટા પડાવી સોશીયલ મીડીયામાં અપલોડ કરે છે. ત્યારે પોલીસ પણ સોશીયલ મીડીયામાં આવી ગેરકાયદેસર પ્રવૃતી સામે વોચ રાખી રહી છે. જેમાં થાન તાલુકાના નવાગામના ૨૬ વર્ષીય મહેશ જેમાભાઈ ખમાણીએ ૭ વર્ષ પહેલા તા.૩૦/૦૯/૨૦૧૮ના રોજ સોશીયલ મીડીયામાં બંદુક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો.

આ વાત થાન પીઆઈ વી.કે.ખાંટ સહીતનાઓના ધ્યાને આવી હતી. ત્યારે સ્ટાફના જે.એસ.ગાબુ, વિપુલભાઈ નવાગામથી મહેશ ખમાણીને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે ૭ વર્ષ પહેલા તેના પિતા જેમા પોલાભાઈ ખમાણીના પાક રક્ષણના પરવાનાવાળા હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હોવાનું જણાવ્યુ હતુ.

આ બંદુકનો પરવાનો હાલ રદ્દ થઈ ગયો હોવાનું તથા તે બંદુક થાન પોલીસ મથકે જમા હોવાનું પણ તેણે જણાવ્યુ હતુ. આથી પોલીસે નવાગામના મહેશ જેમા ખમાણી અને તેના પિતા જેમા પોલાભાઈ ખમાણી સામે થાન પોલીસ મથકે હથીયારધારા મુજબ ગુનો નોંધ્યો છે. અને મહેશ ખમાણીની ધરપકડ કરી છે.

Advertisement
error: Content is protected !!