અમદાવાદમાં ડીસીપી ઝોન-૨ સ્ક્વોડના સ્ટાફે આરટીઓ સર્કલ પાસેથી પાંચ મહિલા બુટલેગરોની દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધી હતી. પેસેન્જર હોવાની આડમાં મહિલાઓ દારૂનો જથ્થો કંટોડિયાવાસમાં પહોંચતો કરવાની હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આ મોડ્સ ઓપરેન્ડીની મહિલાઓનો ઉપયોગ કરીને નિયમિત રીતે દારૂ લાવવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે. ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડનો સ્ટાફ ગત રાત્રીએ સુભાષ બ્રીજ અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
ત્યારે બાતમી મળી હતી કે, આરટીઓ સર્કલથી રાણીપ જતા કેટલીક મહિલાઓ મુસાફરના નામે સામાનમાં દારૂની બોટલો લઇને જઇ રહી છે.
જે કોઇ વાહનમાં બેસવા માટે રાહ જોઇ રહી છે. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવીને પાંચ મહિલાઓના સામાનની તપાસ કરતા તેમાંથી કુલ ૫૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ કરતા તેમના નામ બેબીબેન ચુનારા, આશાબેન ચુનારા, મંજુબેન ચુનારા, રોશનીબેન ચુનારા અને મારીયાબાનું મંસુરી હોવાનું અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાયપુર કંટોડિયા વાસમાં રહેતા હતા. તે સ્થાનિક બુટેલગરની સુચના મુજબ તે રાજસ્થાનથી આવતા દારૂનું બહારથી કંટીગ કરીને થેલામાં લાવીને કંટોડીયા વાસના બુટલેગરને આપતા હતા. છેલ્લાં ઘણા સમયથી આ મોડ્સ ઓપરેન્ડીથી દારૂની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે રાણીપ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

