અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. 
આ વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જ બીજેડી મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ 242 લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતા લગભગ 265 લોકોના મોત નીપજ્યાં છે. આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઈએ આપી હતી.
ગઈકાલે દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે આજે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.
મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

