વલસાડ જિલ્લાનાં છીરી ગામના રામનગરમાં રહેતી સાનીયા પરવેજ ખાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન અરબાજ રઇસ સાથે વર્ષ ૨૦૨૫માં થયા હતા. છેલ્લા એક મહિનાથી પતિ સાથે વિવાદ ચાલતા તે સાસરીમાં રહેતી ન હતી અને પોતાના પિયર ખાતે રહેતી હતી. દરમિયાન તેના પતિ અરબાજ અને મુસ્કાન મુનિર ખાન વચ્ચે પ્રેમસંબંધ હોવાનો તેને શક હતો, જેને લઈ અગાઉ પણ ઝઘડા થતા રહ્યા હતા. જોકે ગત તારીખ 18 મે નારોજ આ મુદ્દે ઝઘડો થતાં સાનિયાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ પોતાની બહેન રફીયા મેમ્બર ખાનના ડુંગરા સ્થિત સનરાઈઝ ઈવનિંગ-૩ ખાતે આવેલા ઘરે ગઈ હતી.
રાત્રે મુનિરનો સાળો કાસીમ અને સાસુ શબનમ ત્યાં આવ્યા હતા અને પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. સાનિયાએ અરજી પાછી ખેંચવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને બોલી વાળ નીચે ખેંચી લાવ્યાનો આક્ષેષ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દરમિયાન સાનિયાની બહેન રફીયા છોડાવવા વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી થઈ હતી.
ત્યારબાદ નીચે હાજર મુસ્કાન અને તેની માતા ગુડીયાએ પણ સાનિયાના વાળ પકડી ખેંચી ઢીકમુક્કીનો માર માર્યો હતો. થોડા જ સમયમાં મુનિર તથા તેના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં આવી જતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં સાનિયાના પરિવારજનો ઉમરાહ ખાન, રૂબી મિતેશ પટેલ, રૂકસાર રફીક ખાન, હદીસુન રફીક ખાન, શબનમ પરવેજ ખાન, અરસદ મેમ્બર ખાન અને સમીર રફીક ખાન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

