રાજપીપળા શહેરના ફ્રુટ માર્કેટમાં લારી ઉભી રાખવાની જગ્યાની સાફ-સફાઈ કરવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓએ એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજપીપળા પોલીસ મથકે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અમિતભાઈ ગણપતભાઈ માછી (રહે.નવા ફળીયા, રાજપીપળા) ફ્રુટનો વ્યવસાય કરે છે. તેઓ અને તેમના કાકાના દીકરાઓ વારાફરતી એક જ જગ્યાએ ફ્રુટની લારી લગાવે છે. ગત રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સુમારે, જ્યારે અમિતભાઈ બીજા દિવસના પોતાના વારા માટે જગ્યા સાફ કરી રહ્યા હતા, ત્યારે તેમના પિતરાઈ ભાઈ નિતેશભાઈ લક્ષ્મણભાઈ માછીએ ત્યાં આવી ‘તું શું કામ જગ્યા સાફ કરે છે?’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.
ઝઘડો ઉગ્ર બનતા નિતેશભાઈએ ફરિયાદીને ફેંટ પકડી છાતીના ભાગે મુક્કો મારી નીચે પાડી દીધા હતા. તે દરમિયાન ત્યાં હાજર બીજા ભાઈ હસમુખભાઈ લક્ષ્મણભાઈ માછીએ હાથમાં છરો લઈને આવી અમિતભાઈના માથાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. બંને આરોપીઓએ ફરિયાદીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા છે. રાજપીપળા પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

