વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે મોરા ફળિયામાં પાળેલા જર્મન શેફર્ડ કૂતરાઓ બાબતે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટનામાં બંને પક્ષે ઈજાઓ થતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો પ્રમાણે ફરિયાદી જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે પડોશમાં રહેતા દીપકભાઈ પટેલના બે પાળેલા જર્મન શેફર્ડ કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. કૂતરાએ જીગ્નેશભાઈના હાથે બચકું ભરી લીધું હતું અને તેમને બચાવવા આવેલા તેમના પિતા કિશોરભાઈને પણ હથેળીના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બાબતે ઠપકો આપવા જતા આરોપીઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
જયારે સામે પક્ષે ધર્મિષ્ઠાબેન પટેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેમના કૂતરા ઘરમાં જ હતા ત્યારે અચાનક પથ્થર મારવાનો અવાજ આવતા કૂતરા ભસવા લાગ્યા હતા. તે સમયે જીગ્નેશભાઈ, કિશોરભાઈ અને સંદીપભાઈ લાકડીઓ લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા અને ધર્મિષ્ઠાબેન તથા તેમના પતિ દીપકભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપકભાઈને માથામાં ગંભીર ઈજા થતા 6 ટાંકા આવ્યા છે. વાલોડ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

