નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આમડપોર ગામની હદમાં નેશનલ હાઈવે નં.48 પર વોચ ગોઠવી, બુલેટ ટ્રેનના ઓવરબ્રીજ પાસેથી એક બોલેરો પીકઅપ ટેમ્પોમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે કુલ રૂ.10,78,270 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી સુરત તરફ એક સફેદ રંગના મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH-04-MR-3592 માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આમડપોર ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા, તેમાંથી વ્હિસ્કી અને વોડકાની નાની કાચ તથા પ્લાસ્ટિકની કુલ 2,064 બાટલીઓ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ.3,72,000 થાય છે.પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક હરિનંદન શિવશંકર ઝા (રહે. ભીવંડી,મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મહિન્દ્રા બોલેરો ટેમ્પો,મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 10,78,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણથી ભરાવવામાં આવ્યો હતો અને સુરત પલસાણા ખાતે પહોંચાડવાનો હતો. આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

