સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીએ હવે ડાંગ જિલ્લાના સુબીરના એક યુવકને નિશાન બનાવ્યો છે. ટેલિગ્રામ ચેનલ દ્વારા રોકાણ પર માત્ર 12 કલાકમાં ચાર ગણો નફો આપવાની લાલચ આપી અજાણ્યા ઠગોએ કુલ રૂ.54,599 પડાવી લીધા હોવાની ફરિયાદ સુબીર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર સુબીર ખાતે રહેતા અને વસુધારા ડેરીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા વિનોદભાઇ સયુભાઈ પવાર ગત 20 માર્ચના રોજ ટેલિગ્રામ પર ‘Pankaj Bhardwaj [Way 2 Laabh] OFFICIAL’ નામની ચેનલ જોઈ રહ્યા હતા. આ ચેનલમાં રૂ.30 હજાર ના રોકાણ સામે 12 કલાકમાં રૂ.1,20,000 આપવાની જાહેરાત જોઈ તેમણે સંપર્ક કર્યો હતો.ઠગોએ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસે એમેઝોન પે (Amazon Pay) દ્વારા દિપેશ સૈની નામના QR કોડ પર રૂ.30 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.બીજા દિવસે નફાની રકમ મેળવવા માટે ‘કરન્સી એક્સચેન્જ’ના બહાને વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ફરીથી રૂ.24,599 યુપીઆઈ આઈડી (facebookadsmanager.payu@axisbank) પર મોકલી આપ્યા હતા.કુલ રૂ.54,599 ચૂકવ્યા બાદ પણ ઠગોએ વધુ રૂ.24,000ની માંગણી ચાલુ રાખતા ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આ મામલે વિનોદભાઇએ સૌપ્રથમ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. ત્યારબાદ તેમણે સુબીર પોલીસ મથકે મોબાઈલ નંબર 7297904076 ના ધારક અને અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

