સુરત : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભૈયાનગર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પરિણીતા આસનાએ તેના પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે માંગરોળ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પતિ પ્રેમચંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ માંગરોળના વાંકલ ખાતે કલરકામનું વ્યવસાય કરતા પ્રેમચંદ રામલખન ભારતીના લગ્ન ગત ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ આસના સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ પતિ પ્રેમચંદે આસના પર ખોટી શંકા-કુશંકા રાખી તેને મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ અંગે આસનાએ અવારનવાર તેના પિતા જગન્નાથ રામાસરે ગૌતમ અને ભાઈને ફોન પર જાણ પણ કરી હતી.ગઈ તારીખ ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજના સમયે પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હતો. પતિના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલી આસનાએ ઘરમાં રહેલું કલરકામમાં વપરાતું કેરોસીન પોતાના શરીર પર છાંટી આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ૨૯ માર્ચના રોજ તેનું મોત નીપજ્યું હતું.મૃતક પરિણીતાના પિતા જગન્નાથ ગૌતમે માંગરોળ પોલીસ સ્ટેશનમાં જમાઈ પ્રેમચંદ ભારતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

