સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગ્રામ પંચાયતમાં સ્વ-ભંડોળના નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. હોદ્દા પર ન હોવા છતાં ચેકોમાં સહીઓ કરી સરકારી નાણાં બારોબાર વટાવી લેવાના મામલે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પૂર્વ સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, વર્ષ 2021 દરમિયાન વાડી ભેંસરોટ ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ પ્રદિપભાઈ ઠગાભાઈ ચૌધરી અને તત્કાલીન તલાટી-કમ-મંત્રી ભાર્ગવ એલ. ભગોદરીયાએ એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદિપભાઈ ચૌધરીએ 15 એપ્રિલ, 2021ના રોજ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં, સત્તા વગર ગેરકાયદેસર રીતે પંચાયતના ચેકોમાં સહીઓ કરી હતી.
આરોપીઓએ કોઈ પણ પ્રકારની વહીવટી કે ટેકનિકલ મંજૂરી લીધા વિના પ્રફુલભાઈ જશુભાઈ ગામીતના નામે કુલ રૂપિયા 17,15,000/- ના 9 ચેકો વટાવ્યા હતા.આ રકમ સેનિટાઈઝરના કામો, પાઈપ લાઈન, અને વિવિધ ફળિયાઓમાં રસ્તા બનાવવાના નામે ઉપાડવામાં આવી હતી, પરંતુ તે અંગેનું કોઈ રેકોર્ડ પંચાયતમાં નિભાવવામાં આવ્યું નહોતું. આ કૌભાંડ અંગે ગ્રામજનની અરજી બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. તપાસ સમિતિના અહેવાલના આધારે વિકાસ કમિશનરે ગુનો નોંધવા આદેશ આપ્યો હતો. જે અનુસંધાને ઉકાઈ તાલુકાના ઈન્ચાર્જ ટી.ડી.ઓ. તેજસભાઈ બાબુભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

