સુરતના બારડોલીમાં પોલીસની ખોટી ઓળખ આપીને વેપારીઓને ડરાવી-ધમકાવી નાણાં પડાવતી એક સક્રિય ગેંગને LCBએ ઝડપી પાડી છે. બારડોલીના વાંકાનેર ગામની હદમાં ગેસ એજન્સીના ટેમ્પોને આંતરી, પોલીસના નામે રૂપિયા ૫૦ હજારનો તોડ કરનાર ત્રણ શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં ભારત ગેસ એજન્સીનો ટેમ્પો ઘરેલું ગેસના બાટલા સપ્લાય કરવા જઈ રહ્યો હતો. આ સમયે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ ટેમ્પો અટકાવ્યો અને પોતાને LCB/SOG પોલીસના ‘કિરણભાઈ’ તરીકે ઓળખાવ્યા હતા. આરોપીઓએ “તમે કાળાબજારમાં ગેસ વેચો છો” તેમ કહી વિડિયો ઉતાર્યો અને એજન્સી માલિકને પોલીસ કેસ કરવાની તથા મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજાર પડાવી લીધા હતા.
જોકે આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાની સૂચનાથી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો કાર્યરત થઈ હતી અને બાતમી મળી હતી કે,આરોપીઓ મોતાગામ પાસે એકલવ્ય સ્કૂલ નજીક બે સ્કોર્પિયો કાર સાથે ઉભેલ છે. પોલીસે તુરંત જ દરોડો પાડી (૧) સલીમ નસીરખાન મેહર (ઉ.વ.૨૨) રહે. મોસાલી, મૂળ રાજસ્થાન (૨) ઉમરસખીર મોહમદ સરીફ કલર (ઉ.વ.૨૮) રહે.વાલોડ,મૂળ રાજસ્થાન તથા (૩) યાસીન ઉર્ફે આસીન મોહમદ સરીફ કલર (ઉ.વ.૩૧): રહે. માંડવી, મૂળ રાજસ્થાન ના આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી બે મહિન્દ્રા સ્કોર્પિયો, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩૦,૫૧,૬૭૦/- નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપી સીકંદર મુસેખાન કલર (રહે.માંડવી) ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ગેંગે અન્ય કયા વેપારીઓને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

