કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામે રવિવારની સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલા એક આઈસર ટેમ્પાએ રસ્તાની સાઈડમાં ચાલતી 10 વર્ષની બાળકીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહીયાળ તલાટના ઘોટવળ ફળીયામાં રહેતી 10 વર્ષની નિધીબેન અરવિંદભાઈ નિકુળીયા આજે સવારે પોતાના ઘરની સામે રોડની સાઈડમાં ઉભેલા ભંગારવાળાને ભંગાર આપીને પરત ઘરે આવી રહી હતી. તે દરમિયાન કપરાડાથી ખડકવાળ તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો નંબર GJ-15-AT-6311ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી નિધીને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીના કાકા છનુભાઈ ગોપાળભાઈ નિકુળીયાએ નજરે જોયેલી આ ઘટના બાદ બૂમાબૂમ કરતા પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં નિધીને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા કપરાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતક બાળકીના કાકાની ફરિયાદના આધારે કપરાડા પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ધોરણ ૪ માં ભણતી માસૂમ બાળકીના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

