વાંસદા તાલુકાના પીપલખેડ ગામે જાહેર જગ્યામાં હાર-જીતનો જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને આ કામગીરી દરમિયાન રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી જિલ્લાના વાંસદા પોલીસ મથકના કર્મચારીઓ તારીખ 15 માર્ચ, 2026 ના રોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પીપલખેડ ગામના ડુંગરપાડા ફળિયામાં આવેલા એક મહુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળીને કાગળના પોસ્ટર પર ‘ચકલી-પોપલી’ના ચિત્રો પર પૈસા લગાવી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.સ્થળ પરથી પોલીસે હેમંતભાઈ બાપજુભાઈ ચૌધરી (રહે.પીપલખેડ,ડુંગરપાડા ફળિયું) અને રફિક ગુલામ શેખ (રહે.વાંસદા,નવું ફળિયું)ના બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓની અંગઝડતી અને જુગારના સ્થળેથી કુલ રૂ.3,310/- ની રોકડ રકમ જપ્ત કરી છે. જેમાં હેમંતભાઈ પાસેથી રૂ.2,130/- રફિક શેખ પાસેથી રૂ.980 અને જુગારના બોર્ડ (પોસ્ટર) પરથી રૂ.200/- મળી આવ્યા હતા. આ ઉપરાંત ‘લક્કી સોરટ’ લખેલું ચિત્રોવાળું પોસ્ટર પણ કબજે કરવામાં આવ્યું છે. વાંસદા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

