સુરતમાં આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ શખ્સોને પલસાણા અને કામરેજ પોલીસે અલગ-અલગ સ્થળેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે તલવાર અને ચપ્પુ જેવા જીવલેણ હથિયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પલસાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ જ્યારે બગુમરા ગામની અંબર વાટીકા સોસાયટી પાસે પેટ્રોલિંગમાં હતો, ત્યારે જાહેર રસ્તા પર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં હાથમાં તલવાર લઈને ફરતો મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જીતેન્દ્ર અશોક બાવીસકર (રહે. બગુમરા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી આશરે ત્રણ ફૂટ લાંબી તલવાર મળી આવી હતી. હથિયાર રાખવા બાબતે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કામરેજ પોલીસ દ્વારા આંબોલી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન બે અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવી હતી. આંબોલી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર ચપ્પુ લઈને ફરતા નઝીર રફીકભાઈ પઠાણ (રહે. આંબોલી) ને પોલીસે ઝડપી લીધો હતો. જયારે આ જ વિસ્તારમાંથી અફજલ મહંમદઅલી મંન્સુરી (રહે.શક્તિનગર, આંબોલી) નામનો શખ્સ પણ હાથમાં ચપ્પુ રાખીને આંટાફેરા મારતો મળી આવ્યો હતો.આ ત્રણેય કિસ્સામાં આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

