ભારતમાલા એક્સપ્રેસ-વે પર રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી ટ્રકે હાયદ્રા મશીન અને પીકઅપ ટેમ્પોને અડફેટે લેતા હાયદ્રા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે પલસાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાથી મુંબઈ જતા ભારતમાલા એક્સપ્રેસ વે પર વિંઝોળીયા ગામની હદમાં એક પીકઅપ ટ્રક નંબર એમએચ/૧૪/જેએલ/૮૬૪૨ રોડની વચ્ચે ઉભી રહી ગઈ હતી. હાઈવે પેટ્રોલિંગની સૂચના મુજબ, IRB કંપનીનું હાયદ્રા મશીન નંબર જીજે/૨૧/ડબલક્યુ/૧૪૭૫ આ પીકઅપ ટેમ્પોને ટોચન કરીને સાઈડમાં લઈ જવાની કામગીરી કરી રહ્યું હતું. તે દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ટ્રક નંબર ડીડી/૦૧/એસ/૯૮૧૯ ના ચાલક મોહમ્મદ અખ્તર મોહમ્મદ નઈમે હાયદ્રા અને પીકઅપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ત્રણેય વાહનો રોડની ડાબી બાજુએ આવેલા ખાડામાં ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં હાયદ્રા મશીનના ચાલક રઘુનાથ મારુતિ જાધવ (રહે.સાંગલી, મહારાષ્ટ્ર) ને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પીકઅપ ટેમ્પોના ચાલક અને ક્લીનરને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
ઘટના બાદ ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની બે ગાડીઓએ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આરોપી ટ્રક ચાલક મોહમ્મદ અખ્તર (રહે.હાલ ચીખલી, મૂળ બિહાર) ને પણ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અંગે IRB કંપનીના લાયઝનિંગ ઓફિસર પ્રતિકભાઈ જસુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે.

