ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ ગામે જૂની અદાવત રાખી એક યુવક અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે કોટબા ગામનો અનિકેતભાઈ ઈશ્વરભાઇ ગાવિત (ઉ.વ. ૨૧) ગત શુક્રવારે સાંજે તેના ભાઈ અને મિત્ર સાથે મોટરસાયકલ પર ધવલીદોડ ગામે ચીકનટીકા ખાવા ગયો હતો. તે દરમિયાન આશીષભાઈ નામના શખ્સે તેને ઉભો રાખી, “પાંચ દિવસ પહેલા ફોન પર કેમ ધમકી આપતો હતો?” તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ હનુમાન મંદિર પાસે આશીષના મિત્રો શનિ, લક્ષ્મણ અને સમીરે અનિકેતને આંતરી માર માર્યો હતો. આ હુમલામાં કોઈ બોથડ પદાર્થ માથામાં વાગતા અનિકેત લોહીલુહાણ થયો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે આહવા પોલીસે આશીષભાઈ, સમીર, શનિ, લક્ષ્મણ અને અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

